પાવાગઢ ડુંગર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. અચાનક ભારે પવન અને ગાઢ ધુમ્મસનું વાતાવરણ સર્જાયું છે. ઠંડાગાર પવનની લહેરો સાથે ડુંગર પર દૃશ્યતા પણ ઘટી ગઈ છે. આ આકસ્મિક વાતાવરણના કારણે રોપ-વે સેવાને છેલ્લા એક કલાકથી વધુ સમયથી બંધ રાખવાની ફરજ પડી છે.
રોપ-વે સેવા બંધ થતાં દર્શનાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાના દર્શન માટે આવેલા સેંકડો યાત્રાળુઓ, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો, રોપ-વે બંધ થવાથી અટવાઈ પડ્યા છે. ઘણા દર્શનાર્થીઓએ પગપાળા ચઢાણનો વિકલ્પ અપનાવવો પડ્યો છે, જ્યારે ઘણા લોકો સેવાની શરૂઆત થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. બદલાયેલા આ હવામાનને કારણે યાત્રાળુઓને કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે, અને સુરક્ષાના કારણોસર રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે.



