ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. PMAY (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ (ARHCs) યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ-01 અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી હતી.