વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આ વર્ષે હોળીના પર્વની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવશે. આગામી ૦૩ માર્ચ ૨૦૨૬, પૂર્ણિમાના દિવસે અહીં ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાના દરબારમાં યોજાનારા આ દિવ્ય રંગોત્સવ માટે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ વર્ષે ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે આંકડાઓ પણ આશ્ચર્યચકિત કરનારા છે. ઉજવણીમાં ૫૧,૦૦૦ કિલો શુદ્ધ ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ગુલાબી, લાલ, પીળો અને નારંગી જેવા સાત આકર્ષક રંગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આકાશમાં રંગોની છોળો ઉડાડવા માટે ૫૦૦ જેટલા કલર બ્લાસ્ટ અને ૧૦,૦૦૦ રંગીન ફુગ્ગાઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
હોળીના પવિત્ર દિવસે હનુમાનજી દાદાને વિશેષ અને કલાત્મક શણગાર કરવામાં આવશે. હજારોની સંખ્યામાં ઉમટી પડનારા હરિભક્તો પર દાદાના સાનિધ્યમાં રંગોનો વર્ષાદ કરવામાં આવશે, જે એક અલૌકિક અનુભવ બની રહેશે. સુરક્ષા અને ભક્તોની સુવિધાને ધ્યાને રાખીને મંદિર દ્વારા વિશાળ ગ્રાઉન્ડમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેથી દરેક શ્રદ્ધાળુ આ મહોત્સવનો આનંદ માણી શકે.






















