ગુજરાતમાં જ્યાં એકતરફ ઉનાળાના પગરવ થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ કુદરતે આશ્ચર્યજનક વળાંક લીધો છે. આજે શુક્રવારે (20 ફેબ્રુઆરી, 2026) વહેલી સવારથી જ રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પંચમહાલ, સુરત અને વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હાલમાં પંચમહાલવાસીઓ વિચિત્ર હવામાનનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડો પવન અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, જ્યારે બપોરે પારો ઊંચકાતા આકરો તાપ અને અસહ્ય ગરમીનો અનુભવ થાય છે.

દક્ષિણ ગુજરાતના સુરત અને મધ્ય ગુજરાતના વડોદરામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદે ધબધબાટી બોલાવી હતી. અચાનક આવેલા વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉનાળાની શરૂઆતે ચોમાસા જેવો માહોલ સર્જાતા વાહનચાલકો અને નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.

અત્યારે ઘઉં, ચણા અને જીરું જેવા રવી પાકો લણણીના આરે છે. આવા સમયે વરસાદ પડવાથી તૈયાર પાક પલળી જવાની અને ગુણવત્તા બગડવાની ભીતિ છે.