ગુજરાત સરકાર સામાજિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને વિવિધ સમાજની લાંબા સમયની માંગણીઓને ધ્યાને રાખીને આજે એક મોટું ક્રાંતિકારી ડગલું ભરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી **’ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ’**માં મહત્વના સુધારા માટેનું બિલ રજૂ કરશે.
શું છે આ નવો નિયમ?
આ બિલનો મુખ્ય હેતુ લગ્ન નોંધણી પ્રક્રિયામાં પરિવારની ભૂમિકાને મજબૂત કરવાનો છે. નવા નિયમો મુજબ, હવેથી લગ્ન નોંધણી વખતે માતા-પિતાની પરવાનગી (સંમતિ) ફરજિયાત બનાવવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી વિવિધ સામાજિક સંગઠનો અને સમાજ સુધારકો દ્વારા આ મુદ્દે સરકારને રજૂઆતો કરવામાં આવી હતી, જેને પગલે સરકાર આ સુધારો લાવવા જઈ રહી છે.
નિયમ 44 હેઠળ જાહેરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ ગૃહમાં આ અંગે વિધિવત જાહેરાત કરશે. આ જાહેરાત બાદ ગુજરાતમાં લગ્ન નોંધણીના કાયદામાં આમૂલ પરિવર્તન આવશે.
વાંધા-સૂચનો માટે 30 દિવસનો સમય
સરકાર લોકશાહી ઢબે આ કાયદાને અમલમાં મૂકવા માંગે છે, તેથી:
- બિલ રજૂ થયા બાદ 30 દિવસ સુધી જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે.
- જે યોગ્ય સૂચનો હશે તેને ધ્યાને લઈને કાયદાના અંતિમ ડ્રાફ્ટમાં સુધારો પણ કરવામાં આવી શકે છે.
આ સુધારાથી ભાગીને થતા લગ્નો અને તેના કારણે ઉભા થતા સામાજિક ઘર્ષણોમાં ઘટાડો થશે તેવી સરકારની આશા છે.











































































































































































