સુરતની હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીમાં આજે શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. પાણીપતમાં એક કર્મચારીના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભભૂકેલો આ રોષ હિંસક તોફાનમાં ફેરવાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા કામદારોએ કંપનીના ગેટ પાસે પાર્ક કરેલી કારોમાં તોડફોડ કરી હતી અને કેટલાક સ્થળોએ આગચંપી કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

હજીરાની આ મોટી સ્ટીલ કંપનીમાં કામ કરતા હજારો શ્રમિકોએ આજે એકાએક હડતાળ પાડી દીધી હતી. કામદારોનો મુખ્ય આરોપ છે કે તેમની પાસે નિયમ વિરુદ્ધ ૧૨ કલાક સુધી કામ લેવામાં આવે છે, જે ઘટાડીને ૮ કલાક કરવામાં આવે. આ ઉપરાંત, કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમને ઓવરટાઈમના નાણાં ચૂકવવામાં આવતા નથી અને તેમનો માસિક પગાર પણ સમયસર થતો નથી. આ પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ આજે હિંસક સ્વરૂપે બહાર આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો મોટો કાફલો હજીરા પહોંચી ગયો હતો. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે આશરે ૭૦ જેટલા ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ કંપની પરિસર અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કંપની પ્રશાસન અને કામદારોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટોની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે, જેથી સ્થિતિને થાળે પાડી શકાય.