આજે ૨૬ ફેબ્રુઆરી, એટલે કે અમદાવાદ શહેરનો ૬૧૫મો સ્થાપના દિવસ. આ ખાસ અવસરે અમદાવાદના નગરદેવી માઁ ભદ્રકાળી આજે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પ્રાંગણમાં ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. શહેરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા સોનાની સાવરણીથી ‘પહિંદ વિધિ’ કર્યા બાદ માતાજીની ભવ્ય નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આશરે ૬.૨૫ કિલોમીટર લાંબી આ યાત્રામાં માતાજીનો સુંદર શણગારેલો રથ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નાસિક ઢોલના ગુંજતા નાદ, અખાડાના કલાકારોના દિલધડક કરતબો, મધુર ભજન મંડળીઓ અને વાહનોના લાંબા કાફલા સાથે નીકળેલી આ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સમગ્ર માર્ગ પર “જય ભદ્રકાળી” ના નાદ સાથે આકાશ ગુંજી ઉઠ્યું હતું અને ઠેર-ઠેર ભક્તોએ માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા.
નગરયાત્રા જે જે રૂટ પરથી પસાર થઈ ત્યાં માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના સ્થાપના દિવસ અને નગરદેવીના દર્શનનો આ સુખદ સંયોગ અમદાવાદીઓ માટે એક ઉત્સવ સમાન બની રહ્યો હતો. સુરક્ષાના પૂરતા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયેલી આ યાત્રાએ સમગ્ર અમદાવાદને ભક્તિના રંગે રંગી દીધું હતું.






































































































































































































