ઈરાન-ઇઝરાયલ તણાવની અસર: અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે ફ્લાઇટ્સ રદ, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોમાં સર્જાયેલી અસ્થિરતાનો સીધો પ્રભાવ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પડ્યો છે. પશ્ચિમ એશિયાના દેશોના એરસ્પેસ બંધ થવાને કારણે સતત બીજા દિવસે પણ અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા તો ભારે વિલંબથી ચાલી રહી છે, જેના કારણે સેંકડો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોમાં ફેરફાર અને સુરક્ષાના કારણોસર ફ્લાઇટ શિડ્યુલમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. મુસાફરોને અગવડ ન પડે તે માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટર્મિનલ પર ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.

મુસાફરો માટે મહત્વની માહિતી:

  • હેલ્પલાઈન નંબર: ઇતિહાદ એરવેઝના મુસાફરો 18001233901 પર સંપર્ક કરી શકે છે.
  • સ્પેશિયલ ડેસ્ક: ઇન્ડિગો અને ઇતિહાદ દ્વારા અલગથી હેલ્પ ડેસ્ક બનાવીને ટિકિટ રિશેડ્યુલિંગ અને રિફંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
  • સૂચના: મુસાફરોને ઘરની બહાર નીકળતા પહેલા સંબંધિત એરલાઇન્સની વેબસાઇટ અથવા એપ પર ફ્લાઇટ સ્ટેટસ ચેક કરી લેવા વિનંતી કરવામાં આવી છે.