અમદાવાદ: જર્જરિત શાસ્ત્રી બ્રિજનું સમારકામ શરૂ, આગામી 11 મહિના સુધી વિશાલા-પિરાણા રોડ બંધ રહેશે
અમદાવાદ: અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમને જોડતા અતિમહત્વના એવા શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સલામતીના ભાગરૂપે આ બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આગામી 11 મહિના સુધી વિશાલા સર્કલથી પિરાણા ચાર રસ્તા સુધીનો અંદાજે ચાર કિલોમીટરનો રસ્તો ભારે, મધ્યમ અને પેસેન્જર વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. હાલ સુભાષ બ્રિજ પર પણ સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે શાસ્ત્રી બ્રિજ બંધ થવાથી શહેરના દક્ષિણ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજની મજબૂતી માટે આ કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોને અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.















































