દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. બોલિવિયાની રાજધાની લા પાઝ નજીક આવેલા એલ અલ્ટો શહેરમાં વાયુસેનાનું ‘હર્ક્યુલસ C-130’ વિમાન અકસ્માતનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં ૩૦ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસ્તારમાં પ્રવર્તી રહેલા અત્યંત ખરાબ હવામાનને કારણે ટેક-ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પરથી લપસી ગયું હતું. આ વિમાન રનવેની બાઉન્ડ્રી તોડીને સીધું જાહેર રોડ પર આવી પડ્યું હતું, જ્યાં રસ્તા પર ઉભેલા અનેક વાહનો સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે માર્ગ પરના વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ખાસ વાત એ છે કે, આ પ્લેન કરન્સી (ચલણી નોટો) થી ભરેલું હોવાનું પણ સામે આવ્યું છે.