અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમવાની છે ત્યારે માત્ર ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં પરંતુ શહેરના હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ પહેલા જ શહેરની તમામ હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે અને રૂમના ભાવોમાં 300થી 400 ટકા સુધીનો તોફાની વધારો નોંધાયો છે. ટી-૨૦ ફાઈનલ મેચ માટે અન્ય રાજ્ય અને દેશમાંથી 40 હજાર લોકો અમદાવાદ આવે તેવી શક્યતા છે. સામાન્ય દિવસોમાં સામાન્ય રકમમાં મળતા હોટલ રૂમના ભાડાંમાં ૪૦૦ ટકાનો વધારો ઝીંકાયો છે. ઘણી હોટલોમાં તો રૂમ મળવો મુશ્કેલ બની ગયો છે. હાલની સ્થિતિ એવી છે કે અમદાવાદની ઘણી જાણીતી હોટલોમાં ૭૦ થી ૮૦ ટકા સુધીનું બુકિંગ પહેલેથી જ થઈ ગયું છે.




































