કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ અને ચોબારી સહિતના અનેક ગામોમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદ વરસતાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા નજરે પડ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને તલ, જુવાર, ઇસબગુલ, એરંડા અને બાજરી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.





