ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે, ત્યારે નાવદ્રા–ઇન્દ્રોય ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો છે. દાનાભાઈ વાઢેરની વાડીમાં આ દીપડાએ ધામા નાખ્યા હતા, જેના કારણે સ્થાનિક ખેડૂતો ખેતરે જતા પણ ડર અનુભવતા હતા.

ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા વાડી વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે શિકારની લાલચે આવેલો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાનો કબજો મેળવ્યો હતો અને તેને પ્રાથમિક તપાસ બાદ સુરક્ષિત રીતે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. દીપડો પકડાતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.