ગુજરાતભરમાં હવે ઠંડી ગાયબ થઈ છે અને ગરમીનો પારો ઉંચકાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા છે, જેમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતા વધુ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં અત્યારે તાપમાન ૩૫ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ ૧ થી ૨ ડિગ્રીનો વધારો થઈ શકે છે.














































































