ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં હિંસક અથડામણ થતા એક યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, વરઘોડામાં ગયેલા બે યુવકો પર હરિપુરા અને કાળી ડુંગરીના 8 શખ્સોની ટોળકીએ પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું છે.
ચોંકાવનારી બાબત એ છે કે, આ ઘટના પહેલા બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં, આરોપીઓએ રેકી કરીને આયોજનબદ્ધ રીતે આ હુમલાને અંજામ આપ્યો હતો. પોલીસે હાલ 8 શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે લગ્ન પ્રસંગમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.











































































