ભારતના શાસન સ્થાપત્યમાં આજે એક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ૧:૩૦ વાગ્યે નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) ના નવા સંકુલ ‘સેવા તીર્થ’ નું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ દાયકાઓથી સાઉથ બ્લોકમાં ચાલતું સત્તાનું કેન્દ્ર હવે આધુનિક અને ભવિષ્યલક્ષી ઇમારતમાં શિફ્ટ થશે.

મુખ્ય આકર્ષણો અને વિગતો:

  • સેવા તીર્થ અને કર્તવ્ય ભવન: વડાપ્રધાન આજે માત્ર PMO જ નહીં, પણ ‘કર્તવ્ય ભવન-૧’ અને ‘કર્તવ્ય ભવન-૨’ નું પણ ઉદ્ઘાટન કરશે. આ સંકુલમાં નાણાં, સંરક્ષણ અને ગૃહ મંત્રાલય જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થશે.
  • એક જ છત નીચે વહીવટ: અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ ફેલાયેલા PMO, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય હવે ‘સેવા તીર્થ’ માં એકસાથે કાર્યરત થશે, જેનાથી સંકલન વધુ ઝડપી બનશે.
  • આધુનિક અને ગ્રીન બિલ્ડિંગ: આ સંકુલ 4-Star GRIHA ધોરણો મુજબ બનાવવામાં આવ્યું છે. તેમાં રિન્યુએબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ અને સ્માર્ટ સિક્યુરિટી જેવી અદ્યતન સુવિધાઓ છે.
  • રૂ. ૧૦૦ નો સ્મારક સિક્કો: આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન આજે ૧૦૦ રૂપિયાનો ખાસ સ્મારક સિક્કો પણ બહાર પાડશે.
  • સાઉથ બ્લોકનું ભવિષ્ય: વર્ષો સુધી દેશના નિર્ણયોનું સાક્ષી રહેલું સાઉથ બ્લોક હવે ઇતિહાસનો ભાગ બનશે. આ ઈમારતોને હવે ‘યુગે યુગીન ભારત’ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ફેરવવાનું આયોજન છે.

વડાપ્રધાનનો કાર્યક્રમ:

PM મોદી આજે બપોરે ૧:૩૦ વાગ્યે નામકરણ અને ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ સાંજે ૬:૦૦ વાગ્યે સેવા તીર્થ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે.