ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓના આપઘાતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
મૂળ બનાસકાંઠાના વતની અને હાલ વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન ખૂબ જ તેજસ્વી અને મહત્વાકાંક્ષી કર્મચારી હતા. હજુ થોડા સમય પહેલા જ તેમણે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરી હતી અને તેઓ ઉચ્ચ અધિકારી બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા. તેવામાં અચાનક તેમણે લીધેલા આ આત્યંતિક પગલાથી પરિવાર અને સાથી કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા છે.






























































