ગુજરાતમાં સરકારી સંસ્થાઓ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વડોદરાની અદાલતને છેલ્લા ૧૫ દિવસમાં સતત બીજી વખત ઈ-મેલ મારફતે બોમ્બની ધમકી મળતા વકીલો અને અરજદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર (કોર્ટ) ને ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર પરિસરને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં વર્ષો બાદ બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેવા સમયે જ વારંવાર મળી રહેલી આ ધમકીઓને પગલે વકીલ આલમમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
બીજી તરફ, કચ્છની કોર્ટને પણ સમાન પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઈ-મેલના આઈપી (IP) એડ્રેસના આધારે તપાસ તેજ કરવામાં આવી છે કે આ કોઈ ટીખળખોરનું કૃત્ય છે કે કોઈ મોટું ષડયંત્ર. હાલ બંને સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે.











































































