ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સાવલી ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૬ના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA) દ્વારા આયોજિત રાજ્યકક્ષાની શોટગન શૂટિંગ સ્પર્ધાનો ૧૨ ફેબ્રુઆરીથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જે આગામી ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે.

ગુજરાતના ખૂણે-ખૂણેથી ઉમટ્યા ખેલાડીઓ આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ ૧૩ જિલ્લાઓમાંથી શ્રેષ્ઠ નિશાનબાજોએ ભાગ લીધો છે. જેમાં વડોદરા (બરોડા), નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, સુરત, દાહોદ, આણંદ, રાજકોટ, ખેડા, કચ્છ-ભુજ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢના રમતવીરો પોતાના કૌવતનું પ્રદર્શન કરી રહ્યા છે. આ આયોજનને કારણે સાવલી પંથકમાં રમતગમતનું વાતાવરણ છવાઈ ગયું છે.

ચુડાસમા દંપતીનું પ્રેરણાદાયી પ્રદર્શન આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વડોદરાનું જાણીતું ચુડાસમા દંપતી બની રહ્યું છે. તેઓ રાજ્યના અન્ય ઉભરતા અને અનુભવી શૂટર્સ સાથે ખભેખભા મિલાવીને નિશાન તાકી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે દંપતીની આ જોડી અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ રહી છે.

પડકારજનક ઇવેન્ટ્સનું આયોજન સ્પર્ધામાં શૂટિંગની અતિ મુશ્કેલ ગણાતી ઇવેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે:

  • ક્લે પિજન ટ્રેપ શૂટિંગ: જેમાં હવામાં ફેંકવામાં આવતા માટીના ટાર્ગેટને સચોટ નિશાન બનાવવાનું હોય છે.
  • ક્લે પિજન ડબલ ટ્રેપ: આ સ્પર્ધામાં એકસાથે બે ટાર્ગેટ હવામાં છોડવામાં આવે છે, જે શૂટરની એકાગ્રતા અને ઝડપની કસોટી કરે છે.