સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી હાઈવે પર શેખપર ગામના પાટિયા પાસે આવેલી ડી.એમ. કોટન જીનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જીનિંગ ફેક્ટરીમાં રાખવામાં આવેલો ખેડૂતો પાસેથી ખરીદાયેલો મોટો જથ્થો અને તૈયાર કરેલી રૂની ગાંસડીઓ જોતજોતામાં આગની લપેટમાં આવી ગઈ હતી.
આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાની કિંમતનો માલસામાન બળી જતાં જીન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.


































































