કેન્દ્રની મોદી સરકારની કેબિનેટે અમદાવાદ-ધોલેરા વચ્ચેના મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટને મંજૂરી આપતાં ગુજરાતના વિકાસને વધુ એક મોટું બળ મળ્યું છે. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ને દેશના અગ્રણી ઔદ્યોગિક અને ટેક્નોલોજી હબ તરીકે વિકસાવવાના પ્રયાસોને આ પ્રોજેક્ટથી વધુ વેગ મળશે. કેન્દ્ર સરકારે આ સેમી-હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 20,667 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.
ધોલેરા હાલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિકસાવવામાં આવતું ભારતનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માનવામાં આવે છે. અહીં દેશનો પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની તૈયારી પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આધુનિક રેલ કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગારી માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. આ રેલ પ્રોજેક્ટથી ધોલેરા SIR અને ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સીધી કનેક્ટિવિટી મળશે, જેના કારણે વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મોટો ફાયદો થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટથી આશરે 284 ગામોને સીધો લાભ મળશે.










