ધોલેરા — ભારતના ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના સપનાને એક મોટી સફળતા મળી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સે ડચ સેમિકન્ડક્ટર દિગ્ગજ કંપની ASML સાથે એક ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારી ગુજરાતના ધોલેરા ખાતે બની રહેલા ભારતના પ્રથમ કોમર્શિયલ મેગા-ફેબ પ્લાન્ટ માટે અત્યાધુનિક લિથોગ્રાફી સાધનોનો પુરવઠો સુનિશ્ચિત કરશે.ચિપ બનાવવાની મશીનરીમાં વૈશ્વિક દબદબો ધરાવતી કંપની ASML, તેના ડીપ અલ્ટ્રાવાયોલેટ (DUV) લિથોગ્રાફી મશીનો ધોલેરા પ્લાન્ટને આપશે. આ ટેકનોલોજીની મદદથી ટાટા સ્માર્ટ કારથી લઈને મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ સાધનોમાં વપરાતી 28nm થી 110nm ની સિલિકોન ચિપ્સનું ઉત્પાદન કરી શકશે. મશીનરી ઉપરાંત, આ કરારમાં ભારતીય કર્મચારીઓ માટે ટ્રેનિંગ, રિસર્ચ (R&D) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત સ્થાનિક સપ્લાય ચેઈન વિકસાવવાનો પણ સમાવેશ થાય છે.











































































































































































