ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. ધોલેરા ITI ખાતેથી ‘અલ્ટ્રા હાઈ પ્યુરિટી (UHP) સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ હેઠળ ૧૬ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સફળતાપૂર્વક પાસઆઉટ થઈ છે. સમગ્ર દેશમાં ITI સ્તરે કન્ટેનરાઇઝ્ડ ક્લીનરૂમ આધારિત સેમિકન્ડક્ટર તાલીમ આપવાનો આ ભારતનો પ્રથમ અને અનોખો પ્રયોગ છે. આ પ્રથમ બેચની સફળતા બાદ, સંસ્થા ખાતે તાલીમાર્થીઓની બીજી બેચનો અભ્યાસક્રમ પણ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ અદ્યતન અને વિશિષ્ટ પ્રોગ્રામ ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ (Tata IIS), ગુજરાત સરકાર અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics) ના સંયુક્ત સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે. આ આખો કોર્સ ૬ અઠવાડિયા (દોઢ મહિના) નો છે, જેમાં વિદ્યાર્થીઓને ૭૦% થી વધુ પ્રેક્ટિકલ લર્નિંગ આપવામાં આવે છે. તાલીમ અંતર્ગત પ્રથમ ૨ અઠવાડિયા વિદ્યાર્થીઓ અમદાવાદ સ્થિત ટાટા IIS કેમ્પસમાં સૈદ્ધાંતિક જ્ઞાન મેળવે છે, જ્યારે બાકીના ૪ અઠવાડિયા ધોલેરા ITI ખાતે ખાસ ઊભી કરાયેલી એડવાન્સ લેબમાં પ્રાયોગિક તાલીમ લે છે.
વિદ્યાર્થીઓને ઉદ્યોગોના વાસ્તવિક વાતાવરણનો સીધો અનુભવ મળી રહે તે માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ધોલેરા ITI કેમ્પસમાં જ ISO ક્લાસ-૧,૦૦,૦૦૦ સ્ટાન્ડર્ડ ધરાવતી અત્યાધુનિક ક્લીનરૂમ લેબ તૈયાર કરવામાં આવી છે. આ હાઇ-ટેક લેબમાં ઓર્બિટલ વેલ્ડિંગ મશીન, હિલિયમ લીક ટેસ્ટિંગ સિસ્ટમ, IR ફ્યુઝન વેલ્ડિંગ સિસ્ટમ અને એર શાવર જેવી અદ્યતન તકનીકો વસાવવામાં આવી છે. આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ ખર્ચ ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભોગવવામાં આવ્યો છે, જેથી રાજ્ય સરકાર કે સંસ્થા પર કોઈ આર્થિક બોજો પડ્યો નથી.
આ કોર્સ પૂર્ણ કરનાર તમામ યુવાનો માટે રોજગારીની ઉજળી તકો ઊભી થઈ છે. આ કુશળ વેલ્ડર્સ ધોલેરા અને સાણંદમાં સ્થાપિત થઈ રહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ (Fabs), EPC કોન્ટ્રાક્ટર્સ તેમજ હાઈ-પ્યુરિટી ગેસ ડિલિવરી કંપનીઓમાં સીધી નોકરી મેળવી શકશે. ટાટા IIS દ્વારા સ્ક્રીનિંગ પ્રક્રિયાના આધારે પસંદ કરાયેલા આ વિદ્યાર્થીઓને તાલીમ દરમિયાન ૧૦૦% સ્કોલરશીપ સાથે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે, જેથી ગ્રામીણ અને મધ્યમ વર્ગના યુવાનો પણ આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે.











































































































































































