રોજગાર વાંચ્છુ યુવાનો માટે ઉમદા તક ગાંધીનગર ખાતે આગામી ૧૫મી મેના રોજ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાશે: નોકરીદાતાઓ દ્વારા સીધી પસંદગી કરાશે.

ગાંધીનગર જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને સ્થાનિક કક્ષા એ રોજગારી મળી રહે એ આશયથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૧૫/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગેઝિઆ એસોસીએશન હોલ, બી-૨૩/૨/૧-૨, જી.આઈ. ડી.સી. ઈલેક્ટ્રોનિક એસ્ટેટ, સેક્ટર-૨૫, ગાંધીનગર ખાતે  જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.

આ ભરતી મેળા અંતર્ગત ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા અને ધોરણ-૧૦ પાસ, ૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. અથવા કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક થયેલા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેનો જોબફેર આઇ.ડી. JF216622512 છે. ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ હોય કે ન હોય તેવા માત્ર ગાંધીનગર જિલ્લાના જ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમ જિલ્લા રોજગાર અધિકારી ગાંધીનગર દ્વારા જણાવાયું છે.