ઐતિહાસિક શહેર અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુરુવારે શહેરમાં ભક્તિ અને ઉત્સાહનું પૂર ઉમટશે. શહેરના નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહીને સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી નગરયાત્રાને પ્રસ્થાન કરાવશે.
આ વર્ષની નગરયાત્રા અને મંદિરના જીર્ણોદ્ધાર તેમજ વિવિધ લોકકલ્યાણકારી કામગીરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારી ફંડમાંથી ₹10 લાખનું દાન જાહેર કર્યું છે. આ રકમનો ઉપયોગ નગરયાત્રાના આયોજન અને ભક્તોની સુવિધા વધારવા માટે કરવામાં આવશે.
શહેરની સ્થાપના સાથે જોડાયેલી આ પરંપરા સામાજિક એકતા અને આપણી સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્થાપના દિને નગરદેવી જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે સમગ્ર અમદાવાદ ‘જય માતાજી’ના નાદથી ગુંજી ઉઠશે.














































































