આદિવાસી સંસ્કૃતિના ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ રહેલું છે. દિવાળી કરતા પણ હોળીના તહેવારને વિશેષ મહત્વ આપતા આદિવાસી સમાજ દ્વારા આજે છોટાઉદેપુર નગરમાં પરંપરાગત ‘ભંગોરિયાનો મેળો’ અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા પોતે પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી, રામઢોલ વગાડીને સ્થાનિક નૃત્ય મંડળીઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે ૧૦૯ વર્ષથી ભંગોરિયાનો મેળો ભરાવાની ભવ્ય પરંપરા જળવાયેલી છે. આધુનિક યુગમાં પણ આદિવાસી સમુદાયમાં આ મેળા પ્રત્યેનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો. શનિવારના રોજ યોજાયેલા ભંગોરિયા હાટમાં આસપાસના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મેળાનું મુખ્ય આકર્ષણ વિવિધ ગામોમાંથી આવેલી નૃત્ય મંડળીઓ હતી. જુદા જુદા ગામના પુરુષો અને મહિલાઓ એક જ પ્રકારના પરંપરાગત પહેરવેશ અને ઘરેણાં સજીને મેળામાં આવ્યા હતા, જે આદિવાસી સંસ્કૃતિની એકતા અને ભવ્યતાના દર્શન કરાવતા હતા.