ગુજરાતમાં ચોમાસા દરમિયાન શાળાઓમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કરીને શાળાઓ અને હોસ્ટેલ માટે કડક ‘સ્કૂલ સેફ્ટી માર્ગદર્શિકા’ જાહેર કરી છે. આ અંતર્ગત તમામ DEO, DPEO અને શાસનાધિકારીઓને કડક આદેશ અપાયા છે કે કોઈપણ જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓને બેસાડવા નહીં, તેમજ શાળા-હોસ્ટેલની છત અને મેદાનની સફાઈ કરાવી લેવી. વીજ કરંટના જોખમને ટાળવા ખુલ્લા વાયરો અને અર્થિંગની સમસ્યા દૂર કરી માત્ર ISI માર્કાવાળા જ વીજ ઉપકરણો વાપરવાના રહેશે. વધુમાં, પૂર અને ભારે વરસાદ જેવી સ્થિતિ માટે ખાસ ઇમરજન્સી પ્રોટોકોલ જાહેર કરાયો છે, જેમાં શાળામાં ઇમરજન્સી કીટ તૈયાર રાખવા, કેમ્પસમાં ચાલતા બાંધકામો પર કડક નજર રાખવા અને અતિવૃષ્ટિ સમયે વિવેકબુદ્ધિથી નિર્ણય લેવા જણાવાયું છે. તેમજ TPEOની પૂર્વ મંજૂરી વિના કોઈપણ શિક્ષક કે સ્ટાફે શાળા છોડવી નહીં તેવો પણ આદેશ કરાયો છે.







































