અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ અખાતી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ વણસી છે. આ સંઘર્ષ ૧૩મા દિવસમાં પ્રવેશતાની સાથે જ ભારત સહિત વિશ્વભરમાં ઈંધણ અને ગેસના પુરવઠા પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું હતું. ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટને સૈન્ય અવરોધિત કરી દીધો હતો, જે વિશ્વના અનેક દેશો માટે ઓઈલ અને ગેસ ટેન્કરોના પસાર થવાનો મુખ્ય માર્ગ છે.
જોકે, આ ગંભીર વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત માટે ખુશીના સમાચાર એ છે કે ઈરાને ભારતીય ઓઈલ અને ગેસ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સલામત રીતે પસાર થવાની મંજૂરી આપી દીધી છે. સમાચાર એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈરાને ભારતીય જહાજોને આ માર્ગ પરથી સુરક્ષિત રીતે આવવા અને જવાની સંપૂર્ણ ખાતરી આપી છે.
આ મોટી રાહત ભારતની સફળ વિદેશ નીતિનું પરિણામ માનવામાં આવે છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ અરાઘચી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ મહત્વપૂર્ણ ચર્ચા બાદ ઈરાને ભારતીય ક્રૂડ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. બંને વિદેશ મંત્રીઓ વચ્ચેની આ વાતચીતનો મુખ્ય હેતુ ભારતમાં ગેસ અને ઈંધણની કિંમતો તથા ઉપલબ્ધતાને સ્થિર રાખવાનો હતો, જેથી ભારતીય અર્થતંત્ર પર યુદ્ધની નકારાત્મક અસર ન પડે.







































































































