યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પવિત્ર પર્વની આગામી તારીખ ૨ ના રોજ ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. આ પર્વ નિમિત્તે ઉમટનારા શ્રદ્ધાળુઓના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. ૨ ના રોજ ડુંગરના પગથિયાંના દ્વાર સવારે ૫:૦૦ વાગ્યે ખોલી દેવામાં આવશે, જ્યારે તા. ૩ ના રોજ રાત્રે ૨:૩૦ વાગ્યે દ્વાર ખુલશે, જેથી પદયાત્રીઓ અને અન્ય ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ શકે.

ચોટીલા ડુંગર પર દસનામ ગોસ્વામી મહંત પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવે છે. તા. ૨ ને સોમવારના રોજ હોળીના દિવસે સાંજે સંધ્યા આરતી બાદ, માતાજીની લોહની જ્યોતમાંથી વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવશે. પૂજન-અર્ચન સાથે હોલિકા દહનનો આ કાર્યક્રમ સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે, ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકોમાં આજે પણ એવી શ્રદ્ધા છે કે ડુંગર ઉપર હોળી પ્રાગટ્ય થયા બાદ તેની જ્વાળા નિહાળીને જ અન્ય સ્થળોએ હોળી દહન કરવામાં આવે છે.