નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લામાં કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં તમામ રસ્તાઓ પંચાયત હસ્તકના માર્ગો છે. સૌથી વધુ વાંસદા તાલુકામાં 53 અને ગણદેવી તાલુકામાં 33 રસ્તાઓ બંધ કરાયા છે. કુલ 155 રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ઉપરાંત ચાર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને પણ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.






































































































































































































