ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ (AAP) નોંધપાત્ર દેખાવ કરતા મોરબી અને જૂનાગઢ જિલ્લામાં વિજયી પરચમ લહેરાવ્યો છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આમ આદમી પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. AAPના ઉમેદવારે શાનદાર પ્રદર્શન કરતા ૧૪૦૦થી વધુ મતોની લીડ સાથે વિજય મેળવી બાજી મારી લીધી છે. આ વિજયને પગલે હળવદ પંથકમાં પક્ષના સમર્થકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, જૂનાગઢ જિલ્લામાં પણ ‘આપ’નો પ્રભાવ જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની માળિયાહાટીના તાલુકાની અમરાપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત નોંધાવી છે. આ જીત સાથે પક્ષે સ્થાનિક સ્તરે પોતાની રાજકીય હાજરી મજબૂત બનાવી છે.

બંને બેઠકો પર પરિણામો જાહેર થતા જ વિજેતા ઉમેદવારો અને સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો. આ પરિણામો દર્શાવે છે કે સ્થાનિક સ્તરે મતદારો હવે નવા વિકલ્પ તરફ પણ પોતાની રૂચિ દાખવી રહ્યા છે, જેનાથી આગામી સમયમાં રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બનશે.