ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જાહેર થઈ રહેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાનો વિજયી રથ આગળ ધપાવતા અનેક બેઠકો અંકે કરી છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપે સ્પષ્ટ પ્રભુત્વ સાબિત કર્યું છે.
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ: તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની આખી પેનલે વિજય મેળવી ક્લીન સ્વીપ કર્યું છે. તેવી જ રીતે ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયતની છત્રાલ-૧ બેઠક પર પણ ભાજપના ઉમેદવારે ભવ્ય વિજય નોંધાવ્યો છે.
વાવ-થરાદમાં મજબૂત લીડ: બનાસકાંઠાની વાવ-થરાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા 9 પરિણામોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 9માંથી 7 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષને ફાળે 1-1 બેઠક ગઈ છે. આ પ્રારંભિક વલણો ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.
અમદાવાદ અને અમરેલીમાં વિજયકૂચ: અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી આંબલી બેઠક પર પણ ભાજપે વિજયનો પરચમ લહેરાવ્યો છે. સાથોસાથ, અમરેલી જિલ્લાની દામનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપે ત્રણ બેઠકો જીતીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે.
આ જીત સાથે જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ સ્થળોએ વિજયોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




























