હોળી અને ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં થતી સંભવિત ભેળસેળને રોકવા માટે વિભાગ દ્વારા શહેરની શાળાઓ સહિત ૨૨ જેટલા એકમોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે.
ફૂડ વિભાગે માત્ર ખાનગી એકમો જ નહીં, પરંતુ AMC સંચાલિત શાળાઓમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા પર પણ નજર દોડાવી છે. જમાલપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળા નંબર ૫ અને જમાલપુર ઉર્દૂ શાળા નંબર ૫ માં વિભાગે દરોડા પાડ્યા હતા. અહીં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
તહેવારમાં ફરસાણ અને મીઠાઈનું વેચાણ વધતું હોવાથી જાણીતા એકમો પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો લેબોરેટરી રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ભેળસેળ જણાશે, તો સંબંધિત એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.





















