દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી ભરૂચ સબ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલની અત્યંત સુરક્ષિત ગણાતી એ-4 બેરેકમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન એક-બે નહીં, પણ કુલ 4 મોબાઈલ ફોન મળી આવતા સમગ્ર જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

જેલમાં કેદીઓ દ્વારા પ્રતિબંધિત મોબાઈલ ફોનનો છૂપી રીતે ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ઝડતી સ્ક્વોડ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશનમાં જે રીતે બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યા છે, તેણે જેલની ‘લોખંડી’ સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે.