મુંબઈમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર લાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી તાજ હોટલ અને ટ્રાઈડેન્ટ હોટલને આતંકી હુમલાની ધમકી મળતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. અજાણ્યા કોલર દ્વારા આ બંને હોટલોમાં બોમ્બ હુમલો થવાની ચેતવણી આપવામાં આવી. ધમકીભર્યો કોલ મળતા જ મુંબઈ પોલીસે બંને હોટલોમાં સુરક્ષા કડક કરી દીધી છે. હોટલના દરેક ખૂણાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સાથોસાથ દક્ષિણ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કોલરનું લોકેશન ટ્રેસ કર્યું અને મુંબઈના સાયન વિસ્તારમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે.




































































































































































































































































































