વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. કાર્યક્રમ અનુસાર બપોરે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન કુલ 18 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 12,421 કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. ઉપરાંત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના 7,689 કરોડ રૂપિયાના બે મહત્વપૂર્ણ પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે 4,732 કરોડ રૂપિયાના NHAIના અન્ય ચાર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરવામાં આવશે. બપોરે 2:45થી 3:30 વાગ્યા દરમિયાન તેઓ હજીરામાં આવેલી L&T કંપનીની મુલાકાત લેશે. સાંજે અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.