ગુજરાત રાજ્ય પરિવહનની જીવાદોરી સમાન એસટી (ST) નિગમના કર્મચારીઓએ ખાનગીકરણ અને પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે. ‘ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ’ દ્વારા આગામી 18 જૂનથી 25 જૂન સુધી એક સપ્તાહ માટે રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એસટી કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવશે, તેમજ નિગમની મુખ્ય કચેરી, તમામ વિભાગીય કચેરીઓ અને બસ ડેપોની બહાર ઘંટનાદ સાથે રામધૂન બોલાવીને ધરણાં પર બેસશે.
કર્મચારીઓનો મુખ્ય વિરોધ નિગમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીઓ પાસેથી બસો ભાડે લેવા સામે અને આઉટસોર્સિંગના માધ્યમથી 4,000 જેટલા ડ્રાઈવર તથા કંડક્ટરની ભરતી કરવાના નિર્ણય સામે છે.






































































































































































