ઉદ્યોગની સાથે હવે રમતગમતના ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બની રહ્યું છે. ‘ખેલ મહાકુંભ’ દ્વારા ગ્રાસરૂટ ટેલેન્ટને શોધવા અને તેને આગળ વધારવા માટે દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે, જ્યારે ‘શક્તિદૂત યોજના’ હેઠળ ખેલાડીઓને આધુનિક કોચિંગ, પૌષ્ટિક ડાયેટ અને આર્થિક પીઠબળ આપવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સહિતના વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ દ્વારા ખેલાડીઓને ઓલિમ્પિક સ્તરની તાલીમ અને સુવિધાઓ મળી રહી છે. જેના પરિણામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતના રમતવીરો પોતાની પ્રતિભાનો પરચો આપી રહ્યા છે. ખેલાડીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સરકારી નોકરી અને આકર્ષક રોકડ પુરસ્કારોની જોગવાઈ પણ કરવામાં આવી છે. 36મી નેશનલ ગેમ્સના સફળ આયોજનથી ગુજરાતે વિશ્વસ્તરીય રમતોત્સવ યોજવાની ક્ષમતા સાબિત કરી છે અને હવે કોમનવેલ્થ તથા ઓલિમ્પિક્સ 2036ની ઐતિહાસિક યજમાની માટે ગુજરાત સજ્જ થઈ રહ્યું છે.









































