અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા પૂર્વે મેયર, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા દરમિયાન કોઈ અવરોધ ન સર્જાય તે માટે માર્ગ પર આવેલા જર્જરિત મકાનોની તપાસ, રસ્તાઓના સમારકામ તેમજ વૃક્ષોની ડાળીઓના ટ્રિમિંગ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. યાત્રા સુચારુ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તંત્ર તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યું છે.















































