અમદાવાદ શહેરમાં મકરબા બ્રિજ બાદ હવે વધુ એક હેબતપુર બ્રિજમાં ગંભીર ડિઝાઇન ફોલ્ટ અને બેદરકારી સામે આવી છે, જ્યાં 89 કરોડના ખર્ચે અને છેલ્લા 8 વર્ષથી બની રહેલા આ બ્રિજને ચાર રસ્તા પર જ ઉતારી દેવાયો હોવાથી હવે તેમાં ‘કેપસ્યુલ’ મૂકવાની ફરજ પડી છે. આ ગંભીર ત્રુટિને લઈને પ્રોજેક્ટ ડિઝાઇન કંપની ‘કસાડ’ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની ‘પંકજ એમ. પટેલ’ સામે ભારે સવાલો ઉઠ્યા છે, કારણ કે આ જ કસાડ કંપની અગાઉ મકરબા બ્રિજ પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલી હતી. આ ઉપરાંત, પંકજ એમ. પટેલ કંપની દ્વારા અગાઉ સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજને સારી સ્થિતિમાં દર્શાવવામાં આવ્યો હતો પરંતુ નીચે ચામાચીડિયા હોવાનું કારણ ધરીને પૂરતી તપાસ નહોતી કરાઈ, અને તેના ઇન્સ્પેક્શનની ગણતરીના દિવસોમાં જ સુભાષ બ્રિજ તોડવો પડ્યો હતો.