મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊર્જા ક્ષેત્રે અનિશ્ચિતતા સર્જાતા ગુજરાતમાં એલપીજી ગેસના સપ્લાયને લઈને ચિંતા ફેલાઈ છે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં ગેસ એજન્સીઓ પર વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં ઓનલાઈન બુકિંગ સર્વર ડાઉન થઈ જતાં ગ્રાહકો સીધા એજન્સીના ગોડાઉન પર પહોંચી રહ્યા છે, જેને કારણે વાતાવરણ તંગ બન્યું છે.

રાજકોટમાં સ્થિતિની ગંભીરતાને જોતા પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. તંત્ર દ્વારા ગેસના વિતરણ પર દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અછત ઉભી ન થાય. બીજી તરફ, યુદ્ધના સમાચારને પગલે લોકોમાં એવી દહેશત છે કે આગામી દિવસોમાં ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે, જેને કારણે ‘પેનિક બુકિંગ’માં મોટો ઉછાળો આવ્યો છે.

રાજ્ય સરકારે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ઘરેલુ એલપીજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો ખોરવાયો હોવાની વાતો માત્ર અફવા છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે ગભરાટમાં આવીને વધારાના સિલિન્ડર બુક ન કરાવે. સાથે જ, આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને કાળાબજારી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે તપાસ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.