ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા ભાજપે વિવિધ જિલ્લાઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સુરેન્દ્રનગર, અમરેલી અને અમદાવાદમાં ભાજપના ઉમેદવારો અને પેનલોએ શાનદાર વિજય મેળવી પક્ષની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની આખી પેનલે વિજય વાવટો લહેરાવ્યો છે. મતગણતરી બાદ સત્તાવાર પરિણામ જાહેર થતા ભાજપે અહીં સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે. આ જીતને પગલે સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયતની મોટા બારમણ બેઠક પર ભાજપના ઉમેદવાર શિવલાલ સુદાણીએ જીત નોંધાવી છે. પરિણામ જાહેર થતાં જ સમગ્ર વિસ્તારમાં વિજયોત્સવનો માહોલ સર્જાયો હતો. આ બેઠક પર વિજય મેળવીને ભાજપે ગ્રામીણ સ્તરે પણ પોતાની પકડ મજબૂત કરી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો, અહીં ભાજપે જીતનું ખાતું ખોલાવ્યું છે. અમદાવાદના જોધપુર વોર્ડમાં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. મહાનગરોથી લઈને તાલુકા સ્તર સુધી ભાજપના આ વિજયી રથને કારણે પક્ષના છાવણીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.












































