અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 31મી મેના રોજ રમાનારી IPL 2026ની ફાઇનલ મેચ (ગુજરાત ટાઇટન્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) પહેલાં ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા બે અલગ-અલગ નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદ શહેરની ચાંદખેડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જુદા-જુદા વિસ્તારોમાં સપાટો બોલાવીને કુલ 5 શખસોની ધરપકડ કરી છે. આ શખસો ફાઇનલ મેચની ટિકિટો અસલી ક્રિકેટ પ્રેમીઓને ખૂબ જ ઊંચા ભાવે વેચીને નફો કમાવવાની ફિરાકમાં હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં મેચની ટિકિટો અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





















































