સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આજે પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના તોતિંગ જથ્થાનો નાશ કરવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીંબડી ડિવિઝન હેઠળ આવતા સાયલા, લીંબડી, ધજાળા, ચુડા અને પાણસીણા એમ કુલ પાંચ પોલીસ મથકોના વિસ્તારમાંથી પકડાયેલા મુદ્દામાલને સાયલાની મોડલ સ્કૂલ પાછળ આવેલા સરકારી ખરાબામાં એકત્રિત કરવામાં આવ્યો હતો. નાની-મોટી ઇંગ્લિશ દારૂ અને બીયરની બોટલો પર બુલડોઝર અને જેસીબી ફેરવી દેવામાં આવતા દારૂની નદીઓ વહી હતી.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યો હતો. લીંબડી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, નશાબંધી અધિકારી તેમજ લીંબડી ડિવિઝનના તમામ મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરોની સીધી દેખરેખ હેઠળ આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નાશ કરવામાં આવેલા જથ્થામાં સૌથી વધુ હિસ્સો સાયલા અને લીંબડી પોલીસ મથક દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂનો હતો.