રાજકોટના રેસકોર્સ મેદાનમાં હાલ એશિયાનો સૌથી મોટો ‘ઇન્ડિયન કેટલ શો-2026’ ધમધમી રહ્યો છે. આ પ્રદર્શનમાં અનેક ઉમદા નસલના પશુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, પરંતુ રાજકોટ પાસેના ખામટા ગામની ‘કલ્યાણી’ નામની ગીર ગાયે સૌના હોશ ઉડાવી દીધા છે. પોતાની અદભૂત શારીરિક બનાવટ, સુંદરતા અને શુદ્ધ ગીર નસલના કારણે કલ્યાણી આખા શોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
આ કેટલ શોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશથી પણ અનેક ગૌ-પ્રેમીઓ અને કૃષિ નિષ્ણાતો ઉમટી પડ્યા છે. કલ્યાણીની અદભૂત સુંદરતા અને તેના ગૌરવવંતા બાંધાને જોઈને વિદેશી નિષ્ણાતો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશથી આવેલા ગૌ-પ્રેમીઓએ કલ્યાણીની કિંમત ₹૩ કરોડથી પણ વધુ આંકી છે. આ બાબત સાબિત કરે છે કે ભારતીય ગોવંશ, ખાસ કરીને ગીર ગાયની નસલ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલી અમૂલ્ય અને મહત્વની છે.
કલ્યાણીના માલિક અને ખામટા ગામના પશુપાલકો માટે આ ગૌરવની ક્ષણ છે. નિષ્ણાતોનું કહેવું છે કે શુદ્ધ નસલના સંવર્ધન અને યોગ્ય જાળવણીને કારણે જ આવી અણમોલ ગાય તૈયાર થઈ શકે છે. સોશિયલ મીડિયા પર પણ કલ્યાણીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેની ખાસિયતો અને તેની ભવ્યતા જોઈ શકાય છે. આ કેટલ શોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતનું પશુધન વિશ્વમાં શ્રેષ્ઠ છે.

























