ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક સચોટ બાતમીના આધારે અમદાવાદ અને સુરતમાં દરોડા પાડીને કુલ ₹2.10 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી છે. આ ઓપરેશનની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુરતથી અમદાવાદ આવી રહેલી એક શંકાસ્પદ ગાડીને આંતરવામાં આવી હતી. આ ગાડીમાંથી કરોડોની નકલી નોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સરકારી ઓળખનો દુરુપયોગ: આયુષ મંત્રાલય અને સત્યમ યોગ ફાઉન્ડેશનનું કનેક્શન તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ નકલી નોટોની હેરાફેરી માટે ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’ નામની સંસ્થાની ગાડીનો ઉપયોગ થતો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ ગાડી પર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા’ લખેલું હતું અને નોટોના સપ્લાય માટે **’આયુષ મંત્રાલય’**ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ ચેકિંગ દરમિયાન કોઈ શંકા ન જાય.
અમદાવાદમાં ગાડી પકડાયા બાદ પોલીસે સુરતમાં પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. સુરતમાંથી અન્ય ₹80 લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. વધુમાં, સુરતના ઉધના વિસ્તારમાં ચાલી રહેલા નકલી નોટો છાપવાના મીની કારખાના પર દરોડો પાડીને નોટો છાપવાનું મશીન, કલર પ્રિન્ટર અને અન્ય સાહિત્ય પણ કબ્જે લેવામાં આવ્યું છે.









































