પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા વીડિયોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતી વિવાદાસ્પદ ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. સુરતની પુણા પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ વહેલી સવારે સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલા તેના પિતાના ઘરેથી કીર્તિ પટેલની અટકાયત કરવામાં આવી છે.
ભાવનગરના વેપારી રાજુ ભમ્મર દ્વારા સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે બદનક્ષી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બંને પર સોશિયલ મીડિયા પર વેપારીના પરિવાર વિરુદ્ધ અશોભનીય ટિપ્પણીઓ કરવા તેમજ ફોન પર ગંભીર ધમકીઓ આપવાનો આક્ષેપ છે. ધરપકડ બાદ સુરત પોલીસ કીર્તિ પટેલને વધુ પૂછપરછ માટે ખાનગી કારમાં સુરત લાવવા રવાના થઈ છે.































































