દેશમાં દવાઓના આડેધડ વપરાશ અને નશાખોરીના દુરુપયોગને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. સરકારે જારી કરેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, હવેથી દેશના કોઈ પણ મેડિકલ સ્ટોર પરથી ડૉક્ટરના અધિકૃત પ્રિસ્ક્રિપ્શન (ચિઠ્ઠી) વિના કફ સિરપ અથવા અન્ય કોઈ પણ લિક્વિડ સિરપ ખરીદી શકાશે નહીં.

આ ફેરફાર લાવવા માટે સરકારે ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, 2026 હેઠળ ડ્રગ્સ રૂલ્સ, 1945 ના ‘શેડ્યૂલ K’ (Schedule K) માંથી ‘સિરપ’ (Syrups) શબ્દને હટાવી દીધો છે. અગાઉ આ શેડ્યૂલ હેઠળ ખાંસીની દવાઓ ડૉક્ટરની પરવાનગી વગર સીધી (OTC) ખરીદવાની છૂટ મળતી હતી. જોકે, ખાંસી માટે વપરાતી ગોળીઓ (Tablets) અને લોઝેન્જીસ (Lozenges) પર હજુ આ પ્રતિબંધ લાગુ નથી.

તાજેતરમાં દૂષિત સિરપના કારણે દેશના કેટલાક રાજ્યોમાં બાળકોના સ્વાસ્થ્ય પર થયેલી આડઅસરોના અહેવાલો બાદ ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) સાથે પરામર્શ કરીને આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયથી સેલ્ફ-મેડિકેશનના જોખમો ઘટશે અને બાળકોનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત બનશે.