ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિ દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચાલી આવતી ભસ્મ આરતી માટેની ઓફલાઇન નિઃશુલ્ક પરમિશન લેવાની પ્રક્રિયા હવે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ભક્તોએ કાઉન્ટર પર લાઈનમાં ઉભા રહીને જે ઓફલાઇન પરમિશન મેળવવી પડતી હતી, તે વ્યવસ્થાને હવે સંપૂર્ણપણે ઓનલાઇન પ્લેટફોર્મ પર ખસેડવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોનો સમય બચાવવાનો અને વચેટિયાઓ દ્વારા થતી છેતરપિંડી પર લગામ કસવાનો છે.

નવી વ્યવસ્થા મુજબ હવે જે ભક્તો તાત્કાલિક ધોરણે એટલે કે એક દિવસ અગાઉ ભસ્મ આરતીમાં સામેલ થવા માંગે છે, તેમણે મંદિરની સત્તાવાર વેબસાઇટ પર જઈને ‘તત્કાલ’ ક્વોટા હેઠળ બુકિંગ કરવાનું રહેશે. આ માટેનું ઓનલાઇન પોર્ટલ દરરોજ સવારે 8:00 વાગ્યે ખુલશે. આ બુકિંગ ‘વહેલા તે પહેલા’ના ધોરણે કરવામાં આવશે, જેનો અર્થ છે કે લિમિટેડ સીટો હોવાને કારણે ભક્તોએ ઝડપથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ભક્તને 16 એપ્રિલની આરતીમાં સામેલ થવું હોય, તો તેમણે 15 એપ્રિલના રોજ સવારે 8:00 વાગ્યે ઓનલાઇન બુકિંગ કરી લેવું અનિવાર્ય છે.

મંદિર સમિતિએ આ વ્યવસ્થામાં ફીનું માળખું પણ જાહેર કર્યું છે. અગાઉ જે ઓફલાઇન પરમિશન નિઃશુલ્ક મળતી હતી, તેના સ્થાને હવે ઓનલાઇન બુકિંગ માટે પ્રતિ વ્યક્તિ ₹200ની ફી નક્કી કરવામાં આવી છે. બુકિંગ દરમિયાન ભક્તોએ પોતાનું આધાર કાર્ડ કે અન્ય માન્ય ઓળખપત્ર અપલોડ કરવું પડશે. આ નવી ડિજિટલ વ્યવસ્થા લાગુ થવાથી હવે ભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે અને તેઓ ઘરે બેઠા પારદર્શક રીતે પોતાની જગ્યા સુરક્ષિત કરી શકશે.

(https://www.shrimahakaleshwar.mp.gov.in/) પર બુકિંગ કરવાનું રહેશે.