પૂર્વોત્તર ભારતના રાજ્ય મણિપુરમાં આજે મંગળવારની વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર, સવારે અંદાજે 5:59 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરનો કામજોંગ (Kamjong) વિસ્તાર નોંધાયું હતું, જે જમીનથી અંદાજે 62 કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ કુદરતી આપત્તિમાં હજુ સુધી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના પ્રારંભિક સમાચાર મળ્યા નથી. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.



























































































































